કર્મ શી રીતે બંધાય છે ? અને તેમાંથી શી રીતે મુક્ત થઈ શકાય? શ્રુષ્ટિ નું રહસ્ય શું છે?

આપણી આંતરિક અવસ્થા કર્મ બંધન માં શી રીતે કારણરૂપ બંને છે?

કર્મ કોણ ભોગવે છે આત્મા કે દેહ?

આવા ઘણાં બધા પ્રશ્નો ના ઉકેલ મને દાદા ભગવાન પ્રેરિત પુસ્તક કર્મ નું વિજ્ઞાન માંથી મળ્યા છે. તે પુસ્તકનાં કેટલાક અંશો અહીં સંક્ષિપ્ત રજુ કર્યા છે. પુસ્તક ઘણું મોટું હોઈ સંક્ષિપ્ત પણ થોડો લાંબો છે, તેને બે ભાગમાં વહેંચી ને રજુ કરતા સાતત્ય નો નાશ થતો જણાઈ એક ભાગ માં જ રજુ કર્યું છે.

  પ્રશ્નકર્તા : આપણા શાસ્ત્રો એમ કહે છે કે દરેકને કર્મ પ્રમાણે ફળ મળે છે !

દાદાશ્રી : એ તો પોતે પોતાનો જ જવાબદાર છે. ભગવાને આમાં હાથ ઘાલ્યો જ નથી. બાકી, આ જગતમાં તમે સ્વતંત્ર જ છો. ઉપરી કોણ છે? તમારે અન્ડરહેન્ડની ટેવ છે એટલે તમારે ઉપરી મળે છે, નહિ તો તમારો કોઈ ઉપરી નથી ને તમારો કોઈ અન્ડરહેન્ડ નથી, એવું આ વર્લ્ડ (જગત) છે ! આ તો સમજવાની જરૂર છે, બીજું કશું છે નહિ.

પ્રશ્નકર્તા : હવે તો પછી કર્મબંધન કોને હોય છે, આત્માને કે દેહને ?

દાદાશ્રી : દેહ તો એ પોતે જ કર્મ છે. પછી બીજુ બંધન એને હોય ક્યાંથી ? આ તો જેને બંધન લાગતું હોય, જે જેલમાં બેઠો હોય તેને બંધન. જેલને બંધન હોય કે જેલમાં બેઠો હોય એને બંધન ? એટલે આ દેહ તો જેલ છે અને તેની મહીં બેઠો છે ને તેને બંધન છે. ‘હું બંધાયો છું, હું દેહ છું, હું ચંદુભાઈ છું.’ માને છે, તેને બંધન છે.

પ્રશ્નકર્તા : એટલે આપ કહેવા માંગો છો કે આત્મા દેહ થકી કર્મ બાંધે છે, ને દેહ થકી કર્મ છોડે છે ?

દાદાશ્રી : ના, એવું નથી. આત્મા તો આમાં હાથ ઘાલતો જ નથી. ખરી રીતે તો આત્મા છૂટ્ટો જ છે, સ્વતંત્ર છે. વિશેષભાવથી જ આ અહંકાર ઊભો થાય છે ને તે કર્મ બાંધે છે ને તે જ કર્મ ભોગવે છે.

પ્રશ્નકર્તા : મનુષ્યને કર્મ લાગુ પડતાં હશે કે નહીં ?

દાદાશ્રી : નિરંતર કર્મ બાંધ્યા જ કરે છે. બીજું કશું કરતા જ નથી. મનુષ્યનો અહંકાર એવો છે કે ખાતો નથી, પીતો નથી, સંસાર કરતો નથી, વેપાર કરતો નથી. તો ય માત્ર અહમ્કાર જ કરે છે કે ‘હું કરું છું’, તેથી બધા કર્મો બાંધ્યા કરે છે. એ ય અજાયબી છે ને ?! એ પ્રુવ (સાબિત) થઈ શકે એમ છે ! ખાતો નથી, પીતો નથી એ પ્રુવ થઈ શકે એમ છે. છતાં ય કર્મો કરે છે એ પણ પ્રુવ થઈ શકે છે. તે મનુષ્ય એકલાં જ કર્મ બાંધે છે.

આ જગત માં જીવ માત્ર રાગ દ્વેષ કરે છે અને તેમાંથી કર્મો ઉભાં થયા કરે છે. એ બધાં કોઝ છે. જીવનમાં ગમતાં – નાં ગમતાં બેઉ કર્મ આવે છે. ગમતાં સુખ આપીને અને નાં ગમતાં દુઃખ આપ્નીએ, કૈડી ને જાય. એટલે કોઝીઝ ગયા અવતારે થયેલા તે આ ભાવમાં ફળ આપે છે.

પ્રશ્નકર્તા : આ બધાં કર્મો છે તે આ એક જ જન્મમાં ભોગવાતાં નથી. એટલે અનેક જન્મો લેવાં પડે છેને એને ભોગવવા માટે ? જ્યાં સુધી કર્મો પૂરાં ના થાય ત્યાં સુધી મોક્ષ ક્યાં છે ?

દાદાશ્રી : મોક્ષની તો વાત ક્યાં ગઈ ! એ ભવનાં કર્મ જયારે પૂરાં થાય ત્યારે દેહ છૂટે. અને ત્યારે મહીં બીજા નવાં કર્મ બંધાઈ જ ગયેલાં હોય. એટલે મોક્ષની તો વાત જ ક્યાં કરવી રહી ? જૂનાં, બીજાં કંઈ પાછલાં કર્મો નથી આવતા. તમે અત્યારે હઉ કર્મો બાંધી રહ્યાં છો. અત્યારે તમે આ વાત કરો છો ને તે ઘડીએ પણ પુણ્યકર્મ બાંધી રહ્યા છો. પુણ્યાનુબંધી પુણ્યકર્મ બાંધી રહ્યા છો.

પ્રશ્નકર્તા : આ બધા કર્મોનાં ફળ આપણા આ જીવનમાં જ ભોગવવાના કે પછી આવતા જન્મમાં પણ ભોગવવા પડે છે ?

દાદાશ્રી : ગયા અવતારે જે કર્મ કરેલાં, તે યોજના રૂપે હતા. એટલે કાગળ ઉપર લખેલી યોજના. હવે એ રૂપક રૂપે અત્યારે આવે તે ફળ આપવા સન્મુખ થાય ત્યારે એ પ્રારબ્ધ કહેવાય. કેટલા કાળે પાકે, તે પચાસ, પોણોસો, સો વર્ષે પાકવા આવે, તો ફળ આપવા સન્મુખ થાય.

એટલે ગયા અવતારે કર્મ બાંધ્યા, તે કેટલે વર્ષે પાકે ત્યારે અહીં ફળ આપે અને એ ફળ આપતી વખતે જગતના લોકો શું કહે કે આમણે કર્મ બાંધ્યું. આણે આ માણસને બે ધોલ મારી દીધી, એને જગતના લોક શું કહે ? કર્મ બાંધ્યું એણેે. કયું કર્મ બાંધ્યું ? ત્યારે કહે, બે ધોલ મારી દીધી. એને એનું ફળ ભોગવવું પડશે. તે અહીં પાછું મળે જ. કારણ કે ધોલો મારી, પણ આજે પેલો ઢીલો પડી ગયો, પણ ફરી તાલ આવે એટલે વેર વાળ્યા વગર રહે નહીં ને ! ત્યારે લોકો કહે કે જો કર્મનું ફળ ભોગવ્યુંને છેવટે ! તે આનું નામ અહીં ને અહીં ફળ ભોગવ્યું. પણ આપણે એને કહીએ કે તારી વાત સાચી છે. આનું ફળ ભોગવવાનું, પણ એ બે ધોલો કેમ મારી એણે ? એ શા આધારે ? એ આધાર એને જડે નહીં. એ તો એણે જ મારી કહેશે. એ ઉદયકર્મ એની પાસે નચાવડાવે આ. એટલે આગળ કર્મ કર્યું છે, તે નચાવડાવે છે.

પ્રશ્નકર્તા : એ જે ધોલ મારી એ કર્મનું ફળ છે, કર્મ નથી, એ બરોબર ને ?

દાદાશ્રી : હા, એ કર્મફળ છે. એટલે ઉદયકર્મ આ એને કરાવડાવે છે અને એ બે ધોલ મારી દે છે.

પ્રશ્નકર્તા : બધું અહીંનું અહીં ભોગવવાનું છે એમ કહે છે, તે શું ખોટું છે ?

દાદાશ્રી : ભોગવવાનું અહીંનું અહીં જ છે પણ તે આ જગતની ભાષામાં. અલૌકિક ભાષામાં એનો અર્થ શો થાય ?

ગયા અવતારે કર્મ અહંકારનું, માનનું બંધાયેલું હોય, તે આ અવતારમાં એનાં બધાં બિલ્ડિંગ બંધાતા હોય, તો પછી એ એમાં માની થાય. શાથી માની થાય છે ? કર્મના હિસાબે એ માની થાય છે. હવે માની થયો, તેને જગતના લોક શું કહે છે કે, ‘આ કર્મ બાંધે છે, આ આવું માન કરે છે.’ જગતના લોકો આને કર્મ કહે છે. જ્યારે ભગવાનની ભાષામાં તો આ કર્મનું ફળ આવ્યું છે. ફળ એટલે માન ના કરવું હોય તો ય કરવું જ પડે, થઈ જ જાય.

અને જગતના લોકો જેને કહે કે આ ક્રોધ કરે છે, માન કરે છે, અહંકાર કરે છે, હવે એનું ફળ અહીંનું અહીં જ ભોગવવું પડે છે. માનનું ફળ અહીંનું અહીં શું આવે કે અપકીર્તિ ફેલાય, અપયશ ફેલાય, તે અહીં જ ભોગવવું પડે. આ માન કરીએ તે વખતે જો મનમાં એમ હોય કે આ ખોટું થઈ રહ્યું છે, આવું ના હોવું જોઈએ, આપણે માન ઓગાળવાની જરૂર છે, એવાં ભાવ હોય તો તે નવું કર્મ બાંધે છે. તેનાં હિસાબે આવતે ભવ પાછું માન ઓછું થાય.

કર્મની થિયરી આવી છે ! ખોટું થતી વખતે મહીં ભાવ ફરી જાય તો નવું કર્મ તેવું બંધાય. ને ખોટું કરે ને ઉપરથી રાજી થાય કે ‘આવું કરવા જેવું જ છે.’ તે પાછું નવું કર્મ મજબૂત થઈ જાય, નિકાચિત થઈ જાય. એ પછી ભોગવ્યે જ છૂટકો !

આખું સાયન્સ જ સમજવા જેવું છે. વીતરાગોનું વિજ્ઞાન બહુ ગુહ્ય છે.

પ્રશ્નકર્તા : સારાં અને ખોટાં કર્મનું ફળ આ જ જન્મમાં કે આવતા જન્મમાં ભોગવવું પડે છે, તો તેવાં જીવો મોક્ષગતિને કઈ રીતે પામે ?

દાદાશ્રી : કર્મના ફળ નુકસાન કરતા નથી. કર્મના બીજ નુકસાન કરે છે. મોક્ષે જતાં કર્મબીજ પડતાં બંધ થઈ ગયા તો કર્મફળ એને આંતરે નહીં, કર્મબીજ આંતરે. બીજ શાથી આંતરે ? કે તેં નાખ્યું એટલે હવે એનો સ્વાદ તું લઈને જા, એનું ફળ ચાખીને જા. એ ચાખ્યા વગર જવાય નહીં. એટલે એ આંતરનાર છે, બાકી આ કર્મફળ આંતરતા નથી.

                            આ બધાંનો સંચાલક કોણ ?

પ્રશ્નકર્તા : તો આ બધું ચલાવે છે કોણ ?

દાદાશ્રી : આ તો બધું આ કર્મનો નિયમ એવો છે કે તમે જે કર્મ કરો છો, એનાં પરિણામ એની મેળે કુદરતી રીતે આવે છે.

પ્રશ્નકર્તા : આ કર્મના ફળ આપણને ભોગવવા પડે. એ કોણ નક્કી કરે ? કોણ ભોગાવડાવે ?

દાદાશ્રી : નક્કી કરવાની જરૂરત જ નથી. કર્મ ‘ઈટસેલ્ફ’ કર્યા કરે. એની મેળે પોતે જ થઈ જાય છે.

પ્રશ્નકર્તા : તો પછી કર્મના નિયમને કોણ ચલાવે છે ?

દાદાશ્રી : ૨H ને O ભેગા થઈ જાય એ વરસાદ થઈ જાય, એ કર્મનો નિયમ.

પ્રશ્નકર્તા : પણ કોઈએ એને કર્યો હશેને, એ નિયમ ?

દાદાશ્રી : નિયમ કોઈ કરે નહીં. તો તો પછી માલિક ઠરે પાછો. કોઈને કરવાની જરૂર નથી. ઈટસેલ્ફ પઝલ થયેલું છે અને તે વિજ્ઞાનના નિયમથી થાય છે અને અમે ‘ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ થી જગત ચાલે છે એમ કહીએ છીએ ! એને ગુજરાતીમાં કહ્યું કે ‘વ્યવસ્થિત શક્તિ’ જગત ચલાવે છે.

પ્રશ્નકર્તા : પુણ્યકર્મ ને પાપકર્મ કેવી રીતે બંધાય ?

દાદાશ્રી : બીજાને સુખ આપવાનો ભાવ કર્યો, એનાથી પુણ્ય બંધાય અને દુઃખ આપવાનો ભાવ કર્યો, એનાથી પાપ બંધાય. માત્ર ભાવથી જ કર્મ બંધાય છે, ક્રિયાથી નહીં. ક્રિયામાં એવું હોય કે ના પણ હોય, પણ ભાવમાં જેવું હોય તેવું કર્મ બંધાય. માટે ભાવને બગાડશો નહીં.

કોઈ પણ કાર્ય સ્વાર્થ ભાવે કરે ત્યારે પાપકર્મ બંધાય અને નિઃસ્વાર્થ ભાવે કરે ત્યારે પુણ્યકર્મ બંધાય. પણ બન્ને ય કર્મ છે ને ! પેલું પુણ્યકર્મનું ફળ છે તે સોનાની બેડી અને પાપકર્મનું ફળ લોઢાની બેડી. પણ બેઉ બેડીઓ જ છે ને ?

સ્થૂળકર્મ : સૂક્ષ્મકર્મ !

એક શેઠે પચાસ હજાર રૂપિયા દાનમાં આપ્યાં. તે તેનાં મિત્રે તેને પૂછયું, ‘આટલા બધા રૂપિયા આપી દીધા ?’ ત્યારે શેઠ બોલ્યા, ‘હું તો એક પૈસો ય આપું તેવો નથી. આ તો આ મેયરનાં દબાણને લઈને આપવા પડ્યાં.’ હવે આનું ફળ ત્યાં શું મળે ? પચાસ હજાર દાન કર્યું, તે સ્થૂળકર્મ, તે તેનું ફળ અહીંનું અહીં શેઠને મળી જાય. લોકો ‘વાહ વાહ’ બોલાવે. કીર્તિ ગાય અને શેઠે મહીં, સૂક્ષ્મકર્મમાં શું ચાર્જ કર્યું ? ત્યારે કહે ‘એક પૈસો ય આપું તેવો નથી.’ તેનું ફળ આવતા ભવમાં મળે. તે આવતા ભવે શેઠ પૈસો ય દાનમાં આપી ના શકે. હવે આવી ઝીણી વાત કોને સમજાય ?

ત્યાં બીજો કોઈ ગરીબ હોય, તેની પાસે પણ એ જ લોકો ગયા હોય દાન લેવા, ત્યારે એ ગરીબ માણસ શું કહે કે, ‘મારી પાસે તો અત્યારે પાંચ જ રૂપિયા છે તે બધા ય લઈ લો. પણ અત્યારે જો મારી પાસે પાંચ લાખ હોત તો તે બધા ય આપી દેત !’ આમ દીલથી કહે. હવે આણે પાંચ જ રૂપિયા આપ્યા, તે ડિસ્ચાર્જમાં કર્મફળ આવ્યું. પણ મહીં સૂક્ષ્મમાં શું ચાર્જ કર્યું ? પાંચ લાખ રૂપિયા આપવાના, તે આવતા ભવે પાંચ લાખ આપી શકશે, ડિસ્ચાર્જ થશે ત્યારે.

એક માણસ દાન આપ્યા કરતો હોય, ધર્મની ભક્તિ કર્યા કરે, મંદિરોમાં પૈસા આપે, બીજું બધું આખોય દહાડો ધર્મ કર્યા કરતો હોય, તેને જગતના લોક શું કહે કે આ ધર્મિષ્ઠ છે. હવે એ માણસનાં અંદરખાને શું વિચાર હોય કે કેમ કરીને ભેળું કરું ને કેમ કરીને ભોગવી લઉં ! અંદર તો એને અણહક્કની લક્ષ્મી પડાવી લેવાની ઈચ્છા બહુ હોય. અણહક્કનાં વિષય ભોગવી લેવામાં જ તૈયાર હોય !

એટલે ભગવાન એનો એક પૈસો ય જમે કરતાં નથી. એનું શું કારણ ? કારણ એ કે દાન-ધર્મ-ક્રિયા એ બધાં સ્થૂળકર્મ છે. એ સ્થૂળકર્મનું ફળ અહીંનું અહીં જ મળી જાય છે. લોકો આ સ્થૂળકર્મને જ આવતા ભવનાં કર્મ માને છે. પણ એનું ફળ તો અહીંનું અહીં જ મળી જાય છે અને સૂક્ષ્મકર્મ કે જે અંદર બંધાઈ રહ્યું છે, જેની લોકોને ખબર જ નથી. તેનું ફળ આવતા ભવે મળે છે !

આજે કોઈ માણસે ચોરી કરી, તે ચોરી એ સ્થૂળકર્મ છે. તેનું ફળ આ ભવમાં જ મળી જાય છે. જેમ કે એને અપજશ મળે, પોલીસવાળો મારે વિગેરે તે બધું ફળ, એને અહીનું અહીં મળી જ જવાનું.

એટલે આજે સ્થૂળકર્મ દેખાય છે, સ્થૂળ આચાર દેખાય છે તે ‘ત્યાં’ કામ લાગે નહીં. ‘ત્યાં’ તો સૂક્ષ્મ ભાવ શું છે ? સૂક્ષ્મકર્મ શું છે ? એટલું જ ‘ત્યાં’ કામ લાગે. હવે જગત આખું સ્થૂળકર્મ ઉપર જ એડજસ્ટ થઈ ગયું છે.

આ સાધુ-સન્યાસીઓ બધા ત્યાગ કરે, તપ કરે, જપ કરે, પણ એ તો બધું સ્થૂળકર્મ છે. એમાં સૂક્ષ્મકર્મ કયાં છે ? આ દેખાય છે એમાં આવતા ભવ માટેનું સૂક્ષ્મકર્મ નથી. આ કરે છે એ સ્થૂળકર્મનો, એમને જશ અહીં જ મળી જાય.

કર્મ – કર્મફળ – કર્મફળ પરિણામ !

પ્રશ્નકર્તા : ગયા ભવનાં કર્મો જે છે ચાર્જ થયેલાં, એ ડિસ્ચાર્જરૂપે આ ભવમાં આવે છે. તો આ ભવનાં જે કર્મો છે, એ આ ભવમાં જ ડિસ્ચાર્જરૂપે આવે કે નહીં ?

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : તો ક્યારે આવે ?

દાદાશ્રી : ગયા અવતારનાં કૉઝીઝ છે ને તે આ અવતારની ઈફેક્ટ છે. આ અવતારના કૉઝીઝ આવતા અવતારની ઈફેક્ટ છે.

પ્રશ્નકર્તા : પણ કેટલાંક કર્મો એવાં હોય છે ને કે અહીંયા ને અહીંયા ભોગવી લેવાનાં હોય છે ને, આપે એવું કહ્યું છે, એક વખત.

દાદાશ્રી : એ તો આ જગતનાં લોકોને એવું લાગે. જગતનાં લોકોને શું લાગે ‘હં…અ…. જો, હોટલમાં બહુ ખાતો હતો ને તે મરડો થઈ ગયો.’ હોટલોમાં ખાતો હતો એ કર્મ બાંધ્યા, તેથી આ મરડો થઈ ગયો કહેશે. ત્યારે જ્ઞાનીઓ શું કહે, એ હોટલમાં શા માટે ખાતો હતો ? એ કોણે શીખવાડ્યું એને હોટલમાં ખાવાનું ? કેવી રીતે બન્યું ? સંજોગો ઊભા થઈ ગયા. પહેલાં જે યોજના કરેલી, તે આ યોજના આવી એટલે એ હોટલમાં ગયો. એ જવાનાં સંજોગો બધાં ભેગા થઈ જાય. એટલે હવે છૂટવું હોય તો છૂટાય નહીં. એનાં મનમાં એમ થાય કે સાલું આવું કેમ થતું હશે ?!

પ્રશ્નકર્તા : જે આગલાં ભાવ કર્યા હતા એટલે હોટલમાં ગયો, હવે હોટલમાં ગયો, પછી ત્યાં ખાધું અને પછી મરડો થયો, આ બધું ડિસ્ચાર્જ છે ?

દાદાશ્રી : એ હોટલમાં ગયો એ ડિસ્ચાર્જ છે અને પેલું મરડો થયો તે ય ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ પોતાનાં તાબામાં ના રહે, કંટ્રોલ ના રહે, આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય.

હવે એક્ઝેક્ટ જો કર્મની થિયરી કોને કહેવાય એવું જો સમજે, તો એ માણસ પુરુષાર્થ ધર્મને સમજી શકે. આ જગતના લોકો જેને કર્મ કહે છે, એને કર્મની થિયરી કર્મફળ કહે છે. હોટલમાં ખાવાનો ભાવ થાય છે. પૂર્વભવે કર્મ બાંધ્યું હતું, તેના આધારે ખાય છે. ત્યાં એ કર્મ કહેવાય. એ કર્મના આધારે આ ભવમાં એ હોટલમાં ખા ખા કરે છે. એ કર્મફળ આવ્યું કહેવાય અને આ મરડો થયો, એને જગતના લોકો કર્મફળ આવ્યું એવું માને. ત્યારે કર્મની થિયરી શું કહે છે આ મરડો થયો, એ કર્મફળનું પરિણામ આવ્યું.

વેદાંતની ભાષામાં હોટલમાં ખાવા ખેંચાય છે તે પૂર્વે બાંધેલા સંચિત કર્મને આધારે, અત્યારે મહીં ખૂબ ના છે છતાં ય હોટલમાં જઈને ખાઈ આવે છે તે પ્રારબ્ધ કર્મ અને એનું ફરી પાછું આ ભવમાં જ પરિણામ આવે ને મરડો થઈ જાય એ ક્રિયમાણ કર્મ !

હોટલમાં ખાય ત્યારે મજા આવી તે વખતે ય બીજ નાખે છે અને મરડો થાય ત્યારે ભોગવતી વખતે ય ફરી બીજ નાખે છે. એટલે કર્મફળ વખતે અને કર્મફળ પરિણામ વખતે, બે બીજ નાખે છે.

પ્રશ્નકર્તા : જાણીને કરેલો ગુનાનો દોષ કેટલો લાગે ? અને અજાણ્યા કરેલી ભૂલોનો કેટલો દોષ લાગતો હશે ? અજાણમાં કરેલી ભૂલોને માફી થતી હશે ને ?

દાદાશ્રી : કોઈ કંઈ એવા ગાંડા નથી કે આવું માફ કરે. તમારા અજાણપણાથી કોઈ માણસ મરી ગયો. કોઈ કંઈ નવરો નથી કે માફ કરવા આવે. હવે અજાણતાથી દેવતામાં હાથ પડે તો શું થાય ?

પ્રશ્નકર્તા : દાઝી જવાય.

દાદાશ્રી : તરત ફળ ! અજાણથી કરો કે જાણીને કરો.

પ્રશ્નકર્તા : અજાણમાં કરેલી ભૂલોને આ રીતે ભોગવવી પડે, તો જાણ્યા પછી કેટલું ભોગવવું પડે ?

દાદાશ્રી : હા, એટલે એ જ હું તમને સમજાવું કે અજાણથી કરેલા કર્મ, એ કેવી રીતે ભોગવવાના ? ત્યારે કહે, એક માણસે બહુ પુણ્યકર્મ કર્યા હોય. રાજા થવાના પુણ્યકર્મ કર્યા પણ અજાણમાં કર્યા હોય, સમજીને નહીં. લોકોને જોઈ જોઈને એવાય કર્મ પોતે કર્યા. તે પછી સમજયા વગર રાજા થાય એવા કર્મો બાંધે છે. હવે એ પાંચ વર્ષની ઉંમરે રાજા ગાદી પર આવ્યો હોય. ફાધર ઓફ થઈ ગયા એટલે અને ૧૧મે વર્ષે એને છે તે છ વર્ષ રાજ કરવાનું હતું, તે ૧૧ વર્ષે છૂટો કર્યો. હવે બીજા માણસને ૨૮ વર્ષે જો રાજા થયો અને ૩૪ વર્ષે છૂટો થયો. એમાં કોણે વધારે સુખ ભોગવ્યું ? છ વર્ષ બેઉને રાજ મળ્યું.

મૃત્યુ પછી જોડે શું જાય ?

પ્રશ્નકર્તા : શુભ અને અશુભ જે કર્મો છે, એનું જે પરિણામ છે એ હવે બીજી જે પણ કોઈ યોનિમાં જાય, ત્યાં એને ભોગવવું પડે ને ?

દાદાશ્રી : ત્યાં ભોગવવું જ પડે. એટલે અહીંથી મૃત્યુ થાય એટલે મૂળ શુધ્ધાત્મા જાય છે. જોડે શુભાશુભ જે આખી જિંદગીમાં કર્મો કર્યા તે યોજનારૂપે, એટલે કારણ શરીર કહેવાય છે એને, કૉઝલ બોડી, પછી સૂક્ષ્મ બોડી એટલે ઈલેક્ટ્રિકલ બોડી. આ બધું સાથે જવાનું. બીજું કશું જતું નથી.

એ કહેવાય સામુહિક કર્મોદય !

પ્રશ્નકર્તા : હવે આ જગતમાં જે ધરતીકંપ થાય અને જ્વાળામુખી ફાટે, એ બધું કઈ શક્તિ કરે છે ?

દાદાશ્રી : બધું વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ દરેક ચીજ કરે. એવિડન્સ ઊભો થવો જોઈએ. બધી ભેગી થઈ કે જરાક કંઈ કાચું રહ્યું હોયને થોડુંક ભેગું થયું કે ફૂટ્યું હડહડાટ.

પ્રશ્નકર્તા : જેને ભોગવવાનો છે એનો ઉદય ?

દાદાશ્રી : મનુષ્યોનો ઉદય, જાનવરો ને બધાને. હા, સામુહિક ઉદય આવે. જુઓને, આ હીરોશીમા ને નાગાસાકીને ઉદય આવ્યો હતો ને !

 

પાપ-પુણ્યનું ન થાય પ્લસ-માઈનસ !

પ્રશ્નકર્તા : પાપકર્મ અને પુણ્યકર્મનું પ્લસ-માઈનસ થઈને નેટમાં રીઝલ્ટ આવે છે ભોગવટામાં ?

દાદાશ્રી : ના, પ્લસ-માઈનસ ના થાય. પણ એને ભોગવટામાં ઓછા કરી શકાય. પ્લસ-માઈનસનો તો આ દુનિયા છે ને ત્યારથી કાયદો જ નથી. નહીં તો લોકો અક્કલવાળા જ લાભ ઉઠાવી જાત એમ કરીને. કારણ કે સો પુણ્યના કરે અને દસ પાપ કરે, એ દસ બાદ કરીને મારા નેવું છે, જમે કરજો, કહેશે. તે અક્કલવાળા તો ફાવી જાય બધા. આ તો કહે છે, આ પુણ્ય ભોગવ અને પછી આ દસ પાપ ભોગવ.

નડે અજ્ઞાનતા, નહીં કર્મ રે…

પ્રશ્નકર્તા : આપણાં કર્મના ફળને લીધે આ જન્મ મળે છે ને ?

દાદાશ્રી : હા, આ આખી જિંદગી કર્મના ફળ ભોગવવાનાં છે ! અને એમાંથી નવા કર્મ ઊભાં થાય છે, જો રાગ-દ્વેષ કરે તો ! જો રાગ-દ્વેષ ના કરે તો કશું ય નથી.

કર્મનો વાંધો નથી, કર્મ તો આ શરીર છે એટલે થવાનાં જ, પણ રાગ-દ્વેષ કરે તેનો વાંધો છે. વીતરાગો શું કહે છે કે વીતરાગ થાવ !

આ જગતમાં કંઈ પણ કામ કરો છો, તેમાં કામની કિંમત નથી પણ એની પાછળ રાગ-દ્વેષ થાય તો જ આવતા ભવનો હિસાબ બંધાય છે. રાગ-દ્વેષ થતાં ના હોય તો જવાબદાર નથી !

આખો દેહ, જન્મથી તે મરણ સુધી ફરજિયાત છે. એમાંથી રાગ-દ્વેષ જે થાય છે, એટલો જ હિસાબ બંધાય છે.

એટલે વીતરાગો શું કહે છે કે વીતરાગ થઈને મોક્ષે ચાલ્યા જાવ !

અમને તો કોઈ ગાળ ભાંડે તો અમે જાણીએ કે એ અંબાલાલ પટેલને ગાળો ભાંડે છે, પુદ્ગલને ગાળો ભાંડે છે. આત્માને તો એ જાણી શકે નહીં, ઓળખી શકે નહીં ને, એટલે ‘અમે’ સ્વીકારીએ નહીં. ‘અમને’ અડે જ નહીં, અમે વીતરાગ રહીએ ! અમને એની પર રાગ-દ્વેષ ના થાય. એટલે પછી એક અવતારી કે બે અવતારી થઈને બધું ખલાસ થઈ જાય !

વીતરાગ એટલું જ કહેવા માંગે છે કે કર્મ નડતાં નથી, તારી અજ્ઞાનતા નડે છે ! અજ્ઞાનતા શેની ? ‘હું કોણ છું’ એની. દેહ છે ત્યાં સુધી કર્મ તો થયા જ કરવાનાં, પણ અજ્ઞાન જાય એટલે કર્મ બંધાતા બંધ થઈ જાય !

કર્મની નિર્જરા ક્યારે થાય ?

પ્રશ્નકર્તા : કર્મ થતાં ક્યારે અટકે ?

દાદાશ્રી : ‘હું શુધ્ધાત્મા છું’ એનો અનુભવ હોવો જોઈએ. એટલે તું શુધ્ધાત્મા થઉં ત્યાર પછી કર્મબંધ અટકશે, કર્મની નિર્જરા થયા કરે અને કર્મ થતાં અટકે !

એટલે કર્મ ના બંધાય, તેનો રસ્તો શું ? સ્વભાવ ભાવમાં આવવું તે. ‘જ્ઞાની પુરુષ’ પોતાના સ્વરૂપનું ભાન કરાવડાવે, પછી કર્મ ના બંધાય. પછી નવા કર્મો ચાર્જ ના થાય. જૂના કર્મો ડિસ્ચાર્જ થયા કરે ને બધાં જ કર્મો પૂરા થઈ જાય એટલે અંતે મોક્ષ થાય !

આ કર્મની વાત તમને સમજણ પડી આમાં ! જો કર્તા થાય તો કર્મ બંધાય. હવે કર્તાપણું છૂટી જાય, એટલે પછી કર્મ બાંધે નહીં એટલે તમે આજે કર્મ બાંધો છો, પણ જ્યારે હું તમને કર્તાપણું છોડાવી દઈશ એટલે તમને કર્મ બંધાશે નહીં અને જૂના છે તે ભોગવી લેવાના. જૂનો હિસાબ એટલે ચૂકતે થઈ જાય અને ‘કૉઝ’ ઊભાં નહીં થાય. ‘ઈફેક્ટ’ એકલી રહેશે અને પછી ઈફેક્ટ પણ પૂરેપૂરી ભોગવાઈ જાય કે સંપૂર્ણ મોક્ષ થઈ ગયો !

– જય સચ્ચિદાનંદ

 

 

 

Advertisements