આપણા ગુજરાતી માં કહેવત છે, “અન્ન તેવો ઓડકાર” અને “આહાર તેવો વિચાર.”

આહાર ને આપણા મન અને આપણી ચિત્ત વૃત્તિઓ સાથે સીધો સંબંધ છે. ગીતા માં પણ કહેવાયું છે કે વ્યક્તિ ની સાત્વિક, તામસિક અને રાજસિક વૃત્તિઓ તેના આહાર ને આધારે નિર્માણ થાય છે. માટે જ આહાર જાગૃતિ એ આધ્યાત્મિક વિકાસ માટે બહુ અનિવાર્ય છે.

સૃષ્ટિ માં એકેન્દ્રિય થી લઈને પંચેન્દ્રિય સુધીના જીવો “જીવો જીવસ્ય જીવનમ” અનુસાર જીવી રહ્યા છે. જીવન નિર્વાહ માટે આહાર અનિવાર્ય છે. અને આહાર એ જ સંહાર પણ છે.

દરેક ધર્મ અને સમાજ અનુસાર આહાર બાબતે ભિન્ન માન્યતાઓ પ્રવર્તમાન છે. વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાય માં કાંદા લસણ વિના નાં  શુધ્દ શાકાહાર ને મહત્વ આપવામાં આવ્યું છે. જયારે  જૈન સંપ્રદાયમાં એનાથી આગળ, કંદમુળ નિષેધ વિષે પણ કહેવાયું છે.

આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી કયો આહાર હિતકારી છે અને શા માટે? એના વિષે પુજ્ય દાદા ભગવાન ના પુસ્તકો માં   વિગતવાર માહિતી મળે છે, તેમાંના  કેટલાક મુદ્દાઓ…

સમસરણ માર્ગ માં જેટલો ઉચ્ચ કક્ષાનો જીવ હોય છે એટલું એના સંહાર થી આપણને નુકશાન થાય છે.માટે જ એકેન્દ્રિય જીવો જેવાકે, ફળ, અનાજ વિગેરે નો આહાર હિતકારી છે. જયારે કે માંસાહાર, ઈંડા વિગેરે પંચેન્દ્રિય જીવો હોઈ તેમનો આહાર આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી અત્યંત અહિતકારી છે.

૧) ફળાહાર સર્વ શ્રેષ્ઠ છે; પાકાં ફળો કે જેમનું આયુષ્ય પૂરું થવા આવ્યું હોય તે અતિ ઉત્તમ છે. ફળાહાર પર જીવતા વ્યક્તિ ની સમજણ શક્તિ બહુ સુંદર હોય છે.

૨) કંદમુળ અને કાંદા લસણ વિનાનો શુદ્ધ શાકાહારી આહાર ઉત્તમ છે. શુદ્ધ શાકાહારી ભોજન કરનાર વ્યક્તિ ની સમજશક્તિ બીજા લોકો કરતાં ઉત્તમ પ્રકારની હોય છે.

૩) કંદમુળ  ખાવા થી સમજ શક્તિ ઘટે છે, કંદમુળ માં અનંત પૃથ્વીકાય જીવો હોય જીવહિંસા પણ વધારે થાય છે અને મગજ ની સ્થૂળતા પણ આવે છે અને જાગૃતિ મંદ પડે છે. કાંદા લસણ ખાવાથી ઉગ્રતા વધે છે અને કષાય (રાગ-દ્વેષ) ઉત્પન્ન થાય છે. માટે જ આવો આહાર જેટલો ઓછો થાય તેટલું વધુ સારું.

૪) માંસાહાર- ઈંડા એ મનુષ્ય માટે અત્યંત અહિતકારી ખોરાક છે. એનાથી રાજસિક વૃત્તિ વધે છે.  અને આધ્યાત્મિક વિકાસ માટે બહુ જ જોખમી છે. જે જીવ આપણા થી ભય પામે, ડરી ને નાસી જાય એ જીવ ને ખાવાનો અધિકાર નથી.

આહાર જાગૃતિ ની સાથે મહત્વની છે આંતરિક જાગૃતિ. જો બાહ્ય ત્યાગ ની સાથે સમતા ના ઉત્પન્ન થાય અને, માંસાહાર કરનાર પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય તો બધો જ બાહ્ય ત્યાગ વ્યર્થ છે.માટે જ આંતરિક જાગૃતિ અને આહાર જાગૃતિ નો સુમેળ આધ્યાત્મિક(આંતરિક) વિકાસ માં અત્યંત મહત્વનું પરીબળ બની શકે છે.

Advertisements