You are currently browsing the monthly archive for September 2010.

આપણા ગુજરાતી માં કહેવત છે, “અન્ન તેવો ઓડકાર” અને “આહાર તેવો વિચાર.”

આહાર ને આપણા મન અને આપણી ચિત્ત વૃત્તિઓ સાથે સીધો સંબંધ છે. ગીતા માં પણ કહેવાયું છે કે વ્યક્તિ ની સાત્વિક, તામસિક અને રાજસિક વૃત્તિઓ તેના આહાર ને આધારે નિર્માણ થાય છે. માટે જ આહાર જાગૃતિ એ આધ્યાત્મિક વિકાસ માટે બહુ અનિવાર્ય છે.

સૃષ્ટિ માં એકેન્દ્રિય થી લઈને પંચેન્દ્રિય સુધીના જીવો “જીવો જીવસ્ય જીવનમ” અનુસાર જીવી રહ્યા છે. જીવન નિર્વાહ માટે આહાર અનિવાર્ય છે. અને આહાર એ જ સંહાર પણ છે.

દરેક ધર્મ અને સમાજ અનુસાર આહાર બાબતે ભિન્ન માન્યતાઓ પ્રવર્તમાન છે. વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાય માં કાંદા લસણ વિના નાં  શુધ્દ શાકાહાર ને મહત્વ આપવામાં આવ્યું છે. જયારે  જૈન સંપ્રદાયમાં એનાથી આગળ, કંદમુળ નિષેધ વિષે પણ કહેવાયું છે.

આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી કયો આહાર હિતકારી છે અને શા માટે? એના વિષે પુજ્ય દાદા ભગવાન ના પુસ્તકો માં   વિગતવાર માહિતી મળે છે, તેમાંના  કેટલાક મુદ્દાઓ…

સમસરણ માર્ગ માં જેટલો ઉચ્ચ કક્ષાનો જીવ હોય છે એટલું એના સંહાર થી આપણને નુકશાન થાય છે.માટે જ એકેન્દ્રિય જીવો જેવાકે, ફળ, અનાજ વિગેરે નો આહાર હિતકારી છે. જયારે કે માંસાહાર, ઈંડા વિગેરે પંચેન્દ્રિય જીવો હોઈ તેમનો આહાર આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી અત્યંત અહિતકારી છે.

૧) ફળાહાર સર્વ શ્રેષ્ઠ છે; પાકાં ફળો કે જેમનું આયુષ્ય પૂરું થવા આવ્યું હોય તે અતિ ઉત્તમ છે. ફળાહાર પર જીવતા વ્યક્તિ ની સમજણ શક્તિ બહુ સુંદર હોય છે.

૨) કંદમુળ અને કાંદા લસણ વિનાનો શુદ્ધ શાકાહારી આહાર ઉત્તમ છે. શુદ્ધ શાકાહારી ભોજન કરનાર વ્યક્તિ ની સમજશક્તિ બીજા લોકો કરતાં ઉત્તમ પ્રકારની હોય છે.

૩) કંદમુળ  ખાવા થી સમજ શક્તિ ઘટે છે, કંદમુળ માં અનંત પૃથ્વીકાય જીવો હોય જીવહિંસા પણ વધારે થાય છે અને મગજ ની સ્થૂળતા પણ આવે છે અને જાગૃતિ મંદ પડે છે. કાંદા લસણ ખાવાથી ઉગ્રતા વધે છે અને કષાય (રાગ-દ્વેષ) ઉત્પન્ન થાય છે. માટે જ આવો આહાર જેટલો ઓછો થાય તેટલું વધુ સારું.

૪) માંસાહાર- ઈંડા એ મનુષ્ય માટે અત્યંત અહિતકારી ખોરાક છે. એનાથી રાજસિક વૃત્તિ વધે છે.  અને આધ્યાત્મિક વિકાસ માટે બહુ જ જોખમી છે. જે જીવ આપણા થી ભય પામે, ડરી ને નાસી જાય એ જીવ ને ખાવાનો અધિકાર નથી.

આહાર જાગૃતિ ની સાથે મહત્વની છે આંતરિક જાગૃતિ. જો બાહ્ય ત્યાગ ની સાથે સમતા ના ઉત્પન્ન થાય અને, માંસાહાર કરનાર પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય તો બધો જ બાહ્ય ત્યાગ વ્યર્થ છે.માટે જ આંતરિક જાગૃતિ અને આહાર જાગૃતિ નો સુમેળ આધ્યાત્મિક(આંતરિક) વિકાસ માં અત્યંત મહત્વનું પરીબળ બની શકે છે.

Advertisements

ટી… ટી.. ચાયમ… ચાયમ…. ઈડલીયમ…..

આ હકલો છે મારી રોજ બેંગલોરથી હોસુર થઈ અને સેલમ જતી પેસેન્જર ટ્રેન માં ફરતા ફેરીયાની.એ અવાજે મારા રોદ્ર ધ્યાન નો ભંગ કર્યો અને મને એક આધ્યાત્મિક સત્યનો અહેસાસ થયો. મારે કોઈ ફેરિયા વિષે નહી પરંતુ મારા અનુભવ વિષે વાત કરવી છે. આં ત્યારની વાત છે જયારે મારી જોંબ શરુ થયાને ફક્ત ત્રણેક મહિના થયા હતા.રોજ મારો નિત્યક્રમ, હોસુર મારી હોસ્પિટલ જવા માટે દોડા દોડ તેયાર થઇ ટ્રેન પકડવાની. સવારે ૭:૪૦ વાગે આવતી ટ્રેન પ્રસંગોપાત મોડી પણ પડે અને મોડી પડે ત્યારે અચૂક ભીડ્ભરેલી હોય. આજે એવી જ ભીડભરેલી ટ્રેન માં ચડવાનું હતું અને ગમે તેમ કરીને બેસવા માટે એક સીટ શોધવાની હતી. મને બેસવાની સીટ ના મળતા મેં ઉપરના બાંકડા ઉપર આસન જમાવ્યું. મને હતું કે નિચેની સીટ પર પાંચ વ્યક્તિઓ બેઠી છે. પરંતુ ના મારું ધ્યાન જતાં મેં જોયું કે એમાં ફક્ત ચાર લોકો જ બેઠા છે. અને બે વ્યક્તિ પહોળા પગ કરીને અને પલાઠી વાળી ને બેઠી છે. ટ્રેન ની સીટ માં ગોઠવણ એ મુજબ ની હોય છે કે ચાર વ્યક્તિ આરામ  થી બેસી શકે પરંતુ જો થોડા સંકોચાઈ ને બેસે તો પાંચ વ્યક્તિ ને પણ એ આરામ થી સમાવી શકે છે. મોટાભાગે ભીડ હોય ત્યારે લોકો આટલું એડજસ્ટમેન્ટ કરી લેતા હોંય છે. મને આરામ ની જગ્યા મળી ગયા બાદ મારો એમને જગ્યા કરી દેવા માટે કહેવાનો કોઈ પ્રશ્ન નહોતો.

એ સીટ ની બાજુ માં એક મોટી ઉંમરના વ્યક્તિ ઉભા હતાં. આમતો એમની ભાષા તમિલ હતી એટલે મને થયું કે એ સામેથી જ જગ્યા માટે કહેશે પરંતુ એમણે મોઢામાંથી શબ્દ ઉચ્ચાર્યો નહી અને બીજા કોઈ એ એમને સામેથી બેસવાની જગ્યા કરી આપી નહી. અને  મારા થી ના રહેવાતાં મેં એ ઉમરલાયક વ્યક્તિ ને હાથ થી ઈશારો કરીને કહ્યુ, “ તાતા, ઈગે ઉકારંગ (દાદા, અહીં બેસી જાઓ.)” અને એ બેઠેલી સ્ત્રીઓને  ઈશારા થી કહ્યું કે આમને જરા બેસવાની જગ્યા કરી આપો. પરંતુ હંમેશ મુજબ સ્ત્રીઓની એ માનસિકતા હોય છે કે આરામદાયક આસન પર એમનો અબાધિત અધિકાર છે. એમાંથી કોઈ પણ આધેડ વયની સ્ત્રીઓએ મચક ના આપી. મને તમિલ ભાષા ના આવડતાં મેં હિન્દી અને અંગ્રેજી બંનેમાં કહ્યું. પરંતુ એમણે મારી સામે આંખો ફાડી અને એમની ભાષા માં ના પાડી દિધી. એમ વિચારી ને કે તેમને મારી ભાષા અને ઈશારા નહી સમજાયા હોઈ મેં એક યુવાન પુરુષ ને સમજાવ્યું કે તમે આમને સમજાવો કે કે હું શું કહેવા માગું છું. એ યુવાને જરા અમસ્તો વિવેક ખાતર પ્રયત્ન કર્યો અને પછી ના પાડી દીધી કે જગ્યા થઈ શકે તેમ નથી. મેં કહ્યું કે પલાંઠી ખોલી અને સીધાં પગ વાળી ને બેસી જાઓ તો જગ્યા થઈ જશે. એ વ્યક્તિ ઉંમરલાયક છે અને લાંબી મુસાફરી ઉભા રહીને કરવી મુશ્કેલ છે.

હવે એ સ્ત્રી વૃંદ ગુસ્સે થઇ ગયું અને તમિલ માં મોટેથી બોલવા લાગ્યું. અને મને થયું કે વધારે દલીલ કરવાથી ઝઘડો થઈ જશે અને મેં ચુપકીદી સેવી લીધી. આ દરમિયાન મારી ચર્ચા સાંભળી અને એક યુવાને બારી પાસેની સીંગલ સીટ માં એમને જરા અમથી જગ્યા કરી આપી. ઘટના તો પૂરી થઈ ગઈ પરંતુ યુદ્ધ મારા અંતરમનમાં શરુ થયું કે, લોકો માં માનવતા જેવી કોઈ ચીજ જ નથી. કોઈ ઉંમરલાયક, માંદા વ્યક્તિ ને પણ તમે સામાન્ય સહાય કરવા જેટલો વિવેક ન દાખવી શકો. આજે એ વ્યક્તિ ની જગ્યાએ પોતે હોત તો? અને મારા મનમાં થોડો વિષાદ અને થોડો રોષ ઉભરાઈ આવ્યો. થોડી ક્ષણો રોદ્ર ધ્યાન માં પસાર થઈ અને અચાનક ફેરિયાના અવાજ થી મારું ધ્યાન ભંગ થયું.એનો ઉત્સાહ અને હસતો ચહેરો જોઈ ને મારા ચહેરા પર સ્મિત ફરી વળ્યું. એનો દેખાવ જ એવો હતો કે તમને હસવાનું મન થઈ આવે. એના એક હાથમાં બે થેલા ભરીને ઈડલી તથા ચટણી સાંભરના પેકેટ. બીજા હાથમાં ચાનું ટીન અને છાતી પાસે બનીયાનની અંદર ભરાવેલા ચાના કપ. એનો દેખાવ અને ઉત્સાહ જોઈ મને આનંદ થયો અને હસવું પણ આવ્યું. મારી પરિસ્થિતિ ભુલાઇ ગઈ. અને મન શાંત થઇ ગયું.

અચાનક મને જ્ઞાન શબ્દો યાદ આવ્યાં. આપણા સઘળા પ્રયત્નો પછી પણ જો આપણને જોઈતું પરિણામ ના મળે તો ઈશ્વર ઈચ્છા,વ્યવસ્થિત. મને દાદા ભગવાનના પુસ્તક માં વાંચેલ શબ્દો હાજર થઈ આવ્યાં.

“સાપેક્ષ(રીલેટિવ) સત્યનો દુરાગ્રહ એ પણ અસત્ય જ છે.” આપણે ઘણીવખત સત્ય, સદાચાર, સન્માન ઈત્યાદી સદગુણો નો એટલો બધો આગ્રહ રાખતા હોઈએ છીએ કે એના થી વિપરીત વર્તન કરનાર વ્યક્તિ માટે આપણને ગુસ્સો અથવા તો દ્વેષ થઈ આવે છે. હકીકતે, વૃત્તિઓનો વિરોધ કરવાનો છે, વ્યક્તિઓનો દ્વેષ નહી. શુભ અને અશુભ બંને બાબતો થી પર એવો આત્મા તો શુધ્ધ જ છે. પૂજ્ય દીપકભાઈ એ કહેલું, “ વ્યક્તિઓને જેટલાં આત્મા તરીકે જોશો એટલા અભિપ્રાય રહિત વર્તશો”.

જય સચ્ચીદાનંદ.